Civil Hospital Amdavad

079 226 83721, +91 63573 65471
Success Stories Detail | Civil Hospital, Ahemdabad
Success Stories Detail | Civil Hospital, Ahemdabad
Civil Hospital, Ahmedabad

Success Stories Detail

Rajasthan's Women xempted in just two days from 20 years old pain

13 Mar 2021
Rajasthan's Women xempted in just two days from 20 years old pain

ઘણી ખાનગી હોસ્પિટલમાં શક્ય નહોતી તે સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ થઈ

કમરના મણકાની જટિલ અને અશક્ય ગણાતી રિવિઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને અમદાવાદ સિવિલના તબીબોએ ‘સંકલ્પ સે સિદ્ધિ’નું ઝળહળતું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને સ્પાઇન સર્જન ડૉ. જે. વી. મોદી અને તેમની ટીમે સતત ન્યુરો મોનિટરિંગ સાથે જટિલ તથા જોખમી ઓપરેશન નિપુણતાપૂર્વક પાર પાડ્યું

અમુક સર્જરી એવી છે કે જે તબીબી વિજ્ઞાન માટે આજના આધુનિક યુગમાં પણ પડકારરૂપ છે, પરંતુ ડોક્ટર્સના દૃઢ સંકલ્પ, અંગત સૂઝબૂઝ, જ્ઞાન કૌશલ્યથી જ આવી સર્જરીઓ સફળ થતી હોય છે. આવી જ એક કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે સફળતાપૂર્વક પાર પાડીને રાજસ્થાનની એક મહિલાને ૨૦ વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે. અમદાવાદ સિવિલના તબીબોએ ફરી એક વખત ‘સંકલ્પ સે સિદ્ધિ’નું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

અચરજ પામવા જેવી વાત એ છે કે જે દુઃખાવાથી આ મહિલા વર્ષોથી પીડાતા હતા તે દુઃખાવામાંથી તેમને અમદાવાદ સિવિલના કાબેલ તબીબોએ માત્ર બે જ દિવસમાં મુક્તિ અપાવી છે.

રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી પુષ્પાદેવી સોનીની ઉંમર પંચાવન વર્ષ છે અને વર્ષ 2000 થી એટલેકે છેલ્લાં 20 વર્ષથી તેમને કમરમાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવાના લીધે પુષ્પાદેવીને ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી. આ દુઃખાવામાંથી છૂટકારો મેળવવા તેમણે અગાઉ ખાનગી હોસ્પિટલોમાં વર્ષ 2000 અને વર્ષ 2014માં, એમ બે વખત ઑપરેશન કરાવ્યું હતું, પરંતુ સરવાળે ‘દળી દળીને ઢાંકણીમાં ભર્યું’ એ ઉક્તિની જેમ કોઇ ફરક પડ્યો નહોતો. નાણાકીય વ્યય તો થયો જ, ઉપરાંત તકલીફ પણ ધીરે ધીરે ઘટવાના બદલે વધતી જતી હતી. છેલ્લાં 3 વર્ષથી પુષ્પાબેનને અસહ્ય દુઃખાવાની સમસ્યા રહેતી હતી. આ પીડામાં રાહત માટે પુષ્પાદેવીના પરિવારજનોએ ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ તથા ઓર્થોપેડીક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. પરંતુ ક્યાંય દર્દીને સંતોષકારક સારવાર મળી ન હતી.

આખરે પુષ્પાદેવી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં એક્સ-રૅ, MRI તથા સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું કે પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન દરમિયાન મુકવામાં આવેલા સ્ક્રૂ તુટેલા હતાં. તથા કમરનાં ચાર મણકાંમાં પણ *સ્પોન્ડિલોલિસ્થેસિસ (spondylolisthesis)* નામની તકલીફ હતી, આ સ્પોન્ડિલોલિસ્થેસિસની બે વખત અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જેના કારણે મણકા ત્રીજા તબક્કા સુધી ખસી ગયા હતા. સર્જરીમાં ફિટ કરવામાં આવેલા સ્ક્રૂ પણ તૂટી ગયા હતા. સ્પોન્ડિલોલિસ્થેસિસના લીધે કમરમાં અસહ્ય દુખાવો તથા ચાલવા પર અસર થાય છે.

સ્ક્રૂ તૂટી જવાથી અને મણકા ત્રીજા તબક્કા સુધી ખસી જવાના કારણે આ સર્જરી જટિલ અને સંવેદનશીલ બની રહી હતી.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી. મોદી આ સર્જરીની ગંભીરતા સમજાવતાં કહે છે કે,પુષ્પાદેવીને ઝડપભેર દુઃખાવામાંથી રાહત મળે તે માટે કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન્સ દરમિયાન મુકાયેલા ચારેય સ્ક્રૂને કાઢવા સહિતની શસ્ત્રક્રિયા જરૂરી બની હતી. તબીબી શૈલીમાં આ સર્જરીને “રિવિઝન સ્પાઇન સર્જરી” કહેવામાં આવે છે. *સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશન ખુબ જ જટિલ ગણાય છે કારણકે ઓપરેશન દરમિયાન તુટેલાં સ્ક્રૂ કાઢતી વખતે કરોડરજ્જુના ખુબ જ નાજુક ભાગને ઇજા થવાનું જોખમ રહેલું હોય છે અને આવી ઇજા ખુબ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્ક્રૂ કાઢવામાં કરોડરજ્જુની નસને ઇજા થવાનું પણ ખુબ જ જોખમ હોય છે.*

સંકલ્પ વડે સિદ્ધિનું સર્જન કરવાનું તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સારી રીતે જાણે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમને વિશ્વાસ હતો કે તેઓ પુષ્પાદેવીને આ સમસ્યામાંથી છૂટકારો અપાવશે જ.આ ટીમે સતત ન્યુરો મોનિટરિંગ સાથે આ જટિલ તથા જોખમી ઓપરેશન નિપુણતાપૂર્વક પાર પાડ્યું.

હાલમાં પુષ્પાદેવી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઓપરેશન બાદ તેમને દુઃખાવામાં પણ આરામ છે. હવે પુષ્પાદેવીના ચહેરા પર પીડાના બદલે રાહતના હાવભાવ તરવરે છે. અમદાવાદ સિવિલમાં વર્ષો જૂના દુઃખાવામાંથી મુક્તિ મેળવવા સહિત ઉત્તમ અને નિઃસ્વાર્થ સારવાર મેળવનારા પુષ્પાદેવી તથાં તેમનાં પરિવારજનોએ ડૉ. જે. વી. મોદી તથા તેમની ટીમનો ખુબ ખુબ આભાર પણ વ્યક્ત કર્યો છે.

Back to top